Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By | Blog Gadgets Via Blogger Widgets

Friday, February 10, 2012

ગૌરવંતા ગુજરાતીઓ

ગુજરાતને સમગ્ર વિશ્વમાં નામના અપાનારા અને ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા ગૌરવંતા ગુજરાતીઓ આ પ્રમાણે છે.
મહાત્મા ગાંધી- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે. મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી અહિસાનો ઉપયોગ કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા.
સરદાર પટેલ- સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.

ઝવેરચંદ મેઘાણી- ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામનારા ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

મોરારજી દેસાઈ- મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. મોરારજીભાઇએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાતમાં નાગરીક (સિવિલ) સેવામાં જોડાયા હતા. એમણે ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં અંગ્રેજોની આ નોકરી છોડી દઇ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેમણે સવિનય અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમયમાં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સીમાં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી. ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મોરારજી દેસાઈ માત્ર ગુજરાતનું જ નહિ, પરંતુ આખા ભારત દેશનું ગૌરવ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

 ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ- તેમનો જન્મ 12, ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો અને નિધન 31મી ડિસેમ્બર, 1971ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે થયું. તેમના પિતા અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. પત્ની મૃણાલિની સારાભાઈ જાણીતાં નૃત્યકાર છે તો પુત્રી મલ્લિકા સારાભાઈ પણ જાણીતાં કલાકાર છે. બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વગેરે. આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો. કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ કર્યું. એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર રહ્યા. 1956માં અટીરા(અમદાવાદ)ની સ્થાપના કરી અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર પણ બન્યા. વિશ્વ પ્રખ્યાત ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના તેઓ પ્રથમ ડિરેક્ટર હતા. 1962માં આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનો ફાળો રહ્યો તો થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક તેઓ હતા. ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા પણ તેઓ હતા.
ધીરુભાઈ અંબાણી- ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતા.
કનૈયાલાલ મુન્શી- ગુજરાતના ઘડતરમાં કનૈયાલાલ મુન્શીનો ફાળો અનન્ય છે. તેમણે 1904માં ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના કરી હતી. 1912માં ભાર્ગવમાસિકની સ્થાપનાકરી હતી. તેઓ હોમરુલ લીગના મંત્રી હતા અને ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે તેમને આવકારવા સંમેલન યોજ્યું હતું. તેઓ ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ પણ ભોગવ્યો હતો. કોંગ્રેસના બંધારણના ઘડતરમાં તેમનો ફાળો છે. તેઓ કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. સોમનાથ મંદીરના જિર્ણોદ્ધારમાં મહત્વનો ફાળો છે. 
હરિવલ્લભ ભાયાણી :-
હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (૨૬-૫-૧૯૧૭, ૨૫-૩-૨૦૦૬): સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪માં મહુવાની એમ. એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ. એ. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્યપઉમચરિયપર મહાનિબંધ દ્વારા પીએચડી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધકઅધ્યાપક. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

            સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીનો પરિષ્કૃત રૂચિવારસો અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભાષા-વિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. સાથે સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટ, વ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્વતાને પ્રમાણિત કરે છે.


રઘુવીર ચૌધરી :-
રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.

            રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત અમૃતાછે. એમની નવલકથાઓમાં માનવસંબંધની ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.







            મનુભાઈ રાજારામ પંચોલી, ‘દર્શક (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧): નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ.સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિય અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક-અભ્યાસી. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ઝેર તો પીધાંને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

            નવલકથા, નાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર મૂર્ધન્ય સર્જક દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે.ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્રએમની ઉત્તમ નવલકથાઓ છે. નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો બલિષ્ઠ રણકો એમની નવલકથાઓમાંથી ઉપસે છે. એમનું ભાષા સામર્થ્ય અને રસાન્યિત શૈલી નવલકથાઓને આસ્વાદ્ય બનાવે છે. આ ઉપરાંત નાટક, ચરિત્ર, વિવેચન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

            અનંતરાય મણિશંકર રાવળ (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮): વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મેટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૨થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. પછી ત્રણેક માસ મુંબઈમાં હિંદુસ્તાન પ્રજામિત્રદૈનિકમાં ઉપતંત્રી તરીકે કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. જામનગરની ડી.કે.વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્યભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. વડોદરામાં ૧૯૮૦માં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમીનો એવોર્ડ.

            વિવેચનમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીનતેમનો મહત્ત્વનો વિવેચન ગ્રંથ છે. સંપાદક તરીકેની એમની કામગીરી પણ ઉલ્લેખનીય છે.


ઉમાશંકર જોશી :-
ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ (૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં સંસ્કૃતિમાસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાનીવિશ્વભારતીના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ.

            ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને નિશીથકાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.

            સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો સંશોધનો આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.







ચન્દ્રવદન મહેતા :-
            ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા (૬-૪-૧૯૦૧, ૨૨-૪-૨૦૦૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ આકાશવાણીના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસ-પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
            ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.

નગીનદાસ પારેખ :-
            નગીનદાસ નારણદાસ પારેખ, ‘ગ્રંથકીટ (૩૦-૮-૧૯૦૩, ૧૯-૧-૧૯૯૩): વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની વિનીતપરીક્ષા. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠક પાસે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદાર પાસે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશનમંદિરમાં કામગીરી. પછી ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી હ.કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્ત. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
            નગીનદાસ પારેખની વિપુલ સાહિત્યસેવાનું વિશ્લેષણ કરીએ તો તેઓ અનુવાદક, વિવેચક, ભારતીય કાવ્યશાસ્ત્રના ગ્રંથોના જાણકાર, ગાંધીવિચારના ચિંતક, ચરિત્રલેખક અને સંશોધક સંપાદક રૂપે ઉપસી આવે છે. એમના જીવનમાં અને સાહિત્યઘડતરમાં એકબાજુ ગાંધીજી અને બીજી બાજુ રવીન્દ્રનાથનો પ્રભાવ પડ્યો. પરિણામે ગાંધીજીની લાઘવભરી સરળ શૈલી અને રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિનું સંમિલન તેમની લેખનપ્રવૃત્તિમાં જોવા મળે છે.
પ્રબોધ પંડિત :-
            પ્રબોધ બેચરદાસ  પંડિત  ( 23-6-19 23 , 28-11-1975 )  અધ્યાપન, સંશોધન 
1955  - અમેરિકાની યેલ  યુનિવર્સિટીમાં સીનિયર ફેલો , 1973  -  મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા , સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક, 1973  - રણજિતરામ ચંદ્રક 
તેમની મુખ્ય રચનાઓ :-ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન, ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો, વ્યાકરણ અર્થ અને આકાર

સ્વામી આનંદ :-
            હિંમતલાલ રામચન્દ્ર દવે, ‘સ્વામી આનંદ (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬): નિબંધકાર, કોશકાર, સામયિક સંપાદક. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના કેસરીપત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક રાષ્ટ્રમતની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં નવજીવનઅને યંગ ઈન્ડિયાના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં યંગ ઈન્ડિયામાં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બોરડી (દ.ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૧૯૬૯ના વર્ષમાં અપાયેલો પુરસ્કાર સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.
            તેમની વિશિષ્ટ ચરિત્રકથાઓ અને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, અલગારીપણું, સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. વ્યાપક જીવન અનુભવ અને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, તળપદ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.

સુન્દરમ્:-
            ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘સુન્દરમ્ (૨૨-૩-૧૯૦૮, ૧૩-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરુચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરુચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથેભાષાવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી, સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી દક્ષિણાના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭થી ૐપુરીની નગરરચનામાં કાર્યરત.
            ગાંધીયુગીન સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં આ સર્જકમાં પ્રગટ્યો છે. એક છેડે ગાંધીવિચારના સ્પર્શે નર્યા વાસ્તવનું આલેખન તો બીજી બાજુ અરવિંદવિચારના પ્રભાવે અધ્યાત્મનું આલેખન તેમની કવિતામાં છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરચેતનાને સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દૃષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન મહત્ત્વનું છે.



પન્નાલાલ પટેલ :-
            ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭-૫-૧૯૧૯ના રોજ રાજસ્થાનના એક ગામડામાં થયો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું. ખેતરમાં મજૂરી કરી અને વાસણ-કપડાય ધોયા. ત્યારે કોઈને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ પનામાંથી પન્નાલાલ થઈ ગુજરાતનો સમર્થ, વિચક્ષણ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક સરવાણી અવિરત વહેવા માંડી. પરિણામ સ્‍વરૂપેમાનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’, ‘વળામણાંજેવી ચાલીસેક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને મળી. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ ૧૮૫ જેટલી સાહિત્યકૃતિઓ ભેટ ધરી છે. તે ગુજરાતી સાહિત્યને એમનું નાનુસુનું પ્રદાન નથી. ઈ.સ. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ. ૧૯૮૬માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો. શ્રી અરવિંદ અને માતાજીમાં તેમને પૂર્ણ શ્રદ્ધા. તેમની સર્જનકૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશનદ્વારા જ પ્રગટ થતા રહ્યાં હતા. તા. ૬-૪-૧૯૮૯ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું હતું. હૈયા ઉલકત અને અનુભૂતિની સચ્ચા‍ઈ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઊઠયું અને ગુજરાતી સાહિત્ય જગત માલામાલ થઈ ગયું.

રમેશ મોહનલાલ પારેખ :-
            (જન્મ ૨૭-૧૧-૧૯૪૦, અવસાન ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએકૃતિના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.
            ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે.
            ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.
            મૂખ્ય કૃતિઓ : કવિતા ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર, વિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ, સમગ્ર કવિતા છ અક્ષરનું નામ ; વાર્તા સંગ્રહ સ્તનપૂર્વક , નાટકો- સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,
            પ્રદાન : અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ
            સન્માન : 1982- નર્મદ સુવર્ણ ચંદ્રક , 1986- રણજિતરામ? સુવર્ણ ચંદ્રક, 1994- દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય પુરસ્કારો.

No comments:

Post a Comment

Add This Transparent Notification Bar To Your Blog Transparent Notification Bar

X